Thursday 21 April 2016

નિ:સહાય

1st Part:
"જેમણે જીંદગીમાં પ્રેમની પા પા પગલી ભરતા શીખવી,
ના જાણે હૈયાએ કેમ તેમની તરફથી મુખ ફેરવી લીધું"
સૂરજ ઉગમણી દિશામાં પોતાનુ સામ્રાજ્ય પાથરી ચૂક્યો હતો અને ચારે દિશામાં પોતાના કિરણો રેલાવી પોતાની હાજરીનો દુનિયાને એહસાસ કરાવતો હતો પણ આજનો સૂરજ વિનિતની જીંદગીમાં ચક્રવાત લાવવાનો હતો,તેની તો કોઇને ભણક સુધ્ધા પણ નહોતી. વિનિત માટે બધુ સામાન્ય હતુ જ્યા સુધી તે પોતાની ઓફિસ નહોતો પહોચ્યો. વિનિત ઓફિસ પહોચીને પોતાની ચેર પર બેસ્યો.વિનિતની પાસે પડેલી તકતી તેના હોદ્દાનો પડછાયો પાડતી હતી...'મિ. વિનિત પટેલ, ચેરમેન ,વી.પી. ઇન્ડસ્ટ્રીઝ'. હા,વિનિત શહેરની નામચીન કંપનીનો પ્રમુખ હોદ્દેદાર હતો. આ કંપની ઉભો કરવાવાળો પણ વિનિત પોતે જ. વિનિતનો નિત્યક્રમ રહેતો કે સૌથી પહેલા આવીને કંપનીને મળેલા પત્રોને ચકાસવાનો.કંપનીમાં આગળનાં દિવસે આવેલા બધા પત્રો પહેલાથી જ વિનિતની ઓફિસનાં ડેસ્ક પર મૂકી દેવામાં આવતા. રોજની જેમ આજે પણ વિનિતે પત્રો વાંચવાનાં શરૂ કર્યા. અમુક પત્રો કંપનીનાં કારોબારને લગતા તો અમુક પત્રો વિનિતને પોતાની ઇવેન્ટમાં હાજરી આપવાની વિનંતી નાં હતા. આ બધા પત્રોથી એક પત્ર અલગ તરી આવતો હતો. વિનિતની નજર તે પત્ર પર પડતા તેણે તે પત્રને હાથમાં લીધો. વિનિતે પત્ર પર લખેલું નામ વાચ્યું અને અચાનક વિનિતનાં શ્વાસ જાણે થંભી ગયા હોય એવુ તેને લાગ્યું.જોરોથી ધડકતા હ્રદય વચ્ચે તેણે પત્ર વાંચવો શરૂ કર્યો. હવે કોણ હતું એ પત્ર મોકલનારું જેણે વિનિતને હચમચાવી દીધો અને શુ હતુ એ પત્રમાં તથા શુ થવાનુ છે વિનિતની જીંદગીમાં એ જાણવા માટે રાહ જુઓ આવતી કડીની.....
-'ક્ષિતિજ'
('ક્ષિતિજ નાં અંતરનાં સોપાનો'માથી)

2nd Part:
વિનિતનાં અંતરને હચમચાવી દેવા વાળો આ પત્ર લખ્યો હતો વિનિતનાં દાદાએ. વિનિત એકશ્વાસે આખો પત્ર વાંચી ગયો.વિનિતનાં દાદાએ પત્રમાં લખ્યું હતું, "વહાલસોયા દિકરા વિનિત, જાણતો નથી કે, હું હજુ તને મારો દિકરો કહેવાનો અધિકાર રાખું છું કે નહીં. પત્ર પર મારું નામ વાંચીને પણ તને અણગમો થયો હશે અને મને એ પણ ખબર છે કે,તુ મારો અવાજ પણ સુધ્ધા સાંભળવા માગતો નથી માટે મારે તને આ પત્ર લખવો પડ્યો.બેટા,આજે તારી પાસે તારા આ દાદા પોતાના હાથ ફેલાવીને કંઇક માગવા ઇચ્છે છે, આપીશ ને?!! બીજું કંઇ નથી માગતો પણ બેટા તારો થોડો સમય માગુ છું.બેટા, તને આજીજી કરું છું કે, તુ જેમ બને તેમ જલ્દી અમારી પાસે આવી જા.એમ ના પૂછીશ શા માટે.. બસ જલ્દી આવી જા. અમારા માટે નહીં તો તારા માટે. બેટા જો તુ ના આવ્યો તો તને સૌમ્યાનાં સમ છે." છેલ્લી લીટી વાંચીને જાણે વિનિતનું હ્રદય એક ધબકારો ચૂકી ગયું અને તેની ભ્રમરો ઉંચી થઇ ગઇ. તેનાથી બોલી જવાયું,"દાદા, હજુ પણ તમે મારી નબળી કડી ભૂલ્યા નથી." વિનિતનાં મનમાં પ્રશ્નો ઉદ્ભવવા લાગ્યા,શા માટે દાદાએ તેને આટલી જલ્દીમાં બોલાવ્યો હશે? શું તે કોઇ મુશ્કેલીમાં ફસાઇ ગયા હશે? કે પછી હજુ કોઇ હેરાનગતિ કરવાનો કિમિયો કર્યો હશે. હવે આ બધા જવાબ તો ત્યા પહોચ્યા પછી જ મળશે. અને બીજી જ ક્ષણે વિનિતે પોતાના ડ્રાઇવરને ગાડી તૈયાર કરવા કહ્યું. પોતાના દાદાનાં ગામ તરફ જતા વિનિતનું મન ચગડોળે ચડ્યું અને વિનિતનાં મનની ગાડી તેના અતિતનાં રસ્તા પર દોડી પડી. શું હતુ વિનિતનું અતિત તથા શા માટે એને પોતાના દાદાથી હતી નફરત અને કોણ હતી આ સૌમ્યા એ જાણવા માટે રાહ જુઓ આવતી કડીની.
-'ક્ષિતિજ'
('ક્ષિતિજ ના અંતરનાં સોપાનો'માંથી)

3rd Part:
વિનિતની અતિતની મુસાફરી શરૂ થઇ તેના ધૂંધળાઇ ગયેલી શૈશવની અમુક યાદોથી. વિનિત પોતે એક સામાન્ય ખેડુત પરિવારમાં જન્મયો હતો.નસીબની બલિહારી કહો કે કંઇક બીજું, વિનિતનાં જન્મનાં વર્ષે વિનિતનાં વતનમાં કારમો દુષ્કાળ પડ્યો. વિનિતનાં પિતા પહેલેથી દેવાનાં દુષ્ચક્રમાં ફસાઇ ચૂક્યા હતાં અને ઉપરથી પડેલા આ કારમા ફટકાને તે માનસિક રીતે સહન ના કરી શક્યા અને તેમણે આ ફાની દુનિયાને અલવિદા કરી દેવાનુ નક્કી કર્યુ. પતિવ્રતા વિનિતની માતાથી આ આઘાત સહન ના થતા તેમણે પણ અનંતની વાટ પકડી. વિનિતનાં જન્મતાવેંત જ આટલા બધા માઠા પ્રસંગોની હારમાળા થઇ એટલે વિનિતનાં દાદા બબડ્યા, "મારા દીકરા એ કોઇ માણસને નહીં, દાનવને જન્મ આપ્યો લાગે છે, ના જાણે આ હત્યારો કેટલાનાં જીવ લેશે" એક કુમળો જીવ કે જે હજુ દુનિયામાં અવતર્યો જ હતો તેના માટે એક અલગ જ માનતા બંધાઇ ચૂકી હતી. વિનિતનાં દાદાએ વિનિતનો ઉછેર તો કર્યો પણ એમાં પોતીકાપણાનો ક્યારેય વિનિતને અહેસાસ થયો નહોતો. વિનિતને હડધૂત કરવાનો કોઇ મોકો તે ના છોડતા. વિનિતનાં આવા દુષ્કર પાનખર જેવા જીવનમાં આખરી થોડા દિવસમાં એક વસંતનું આગમન થયું અને તે હતી સૌમ્યા. વિનિત પોતાના બાળપણની કોઇ વાતોને યાદ રાખવા નહોતો માગતો સિવાય કે સૌમ્યા. પોતાના દાદાનાં મેણા ટોણાથી કંટાળેલો વિનિત જેવો સૌમ્યાની પાસે પહોચતો તેવો પોતાના બધા દુઃખ ભૂલી જતો. તો કોણ હતી આ સૌમ્યા જે વિનિત માટે એક ફરિશ્તાથી કમ નહોતી? સૌમ્યા વિનિતનાં પડોશીની દિકરી હતી.સૌમ્યા અને વિનિત એક જ વયનાં હતા અને સાથે જ પોતાનુ બાળપણ વિતાવ્યુ હતું.બંને સાથે જ ભણતા અને શાળાએથી છૂટ્યા બાદ નિર્દોષભાવે એક બીજા સાથે પાસે આવેલા મંદિરનાં પટાંગણમાં રમતા. સૌમ્યા અને વિનિત જાણે એક બીજાની નાડ પારખતા હોય એમ ક્યારેય પણ બંનેમાથી કોઇ જો નાખુશ હોય તો સામેવાળાને તરત ખબર પડી જાતી. બંને સામાન્ય મિત્રોની જેમ જ હસતા, રમતા અને ઝઘડો પણ કરતા પણ બંને એક બીજાનાં વિના એક દિવસ પણ રહી ના શકતા. બાળપણની આ મિત્રતા ક્યારે પ્રેમરૂપે પરિપક્વ થઇ ગઇ એ તો એ બંનેને પણ ખબર ના રહેવા પામી. ધીરે ધીરે બંની યુવાવસ્થા તરફ ડગ માંડ્યા. હવે શુ થશે આગળ વિનિત અને સૌમ્યાની જીંદગીમા તે જાણવા રાહ જુઓ આવતી કડીની. 'નિસહાય' વિશે તમારો અભિપ્રાય ચોક્કસથી જણાવવા વિનંતી.
-'ક્ષિતિજ'
('ક્ષિતિજ ના અંતરનાં સોપાનો'માથી)

4th Part:
બે પ્રેમથી નીતરતા હૈયા જ્યારે યુવાનીનાં ઉંબરે પહોચે એટલે તેમા ધડકનો નહીં પણ એક બીજા માટેનું હેત જ વહેતું હોય છે તેમ બાળપણની અતૂટ મિત્રતા વિનિત અને સૌમ્યાનાં જીવનમાં પ્રેમરૂપે આકાર લઇ ચૂકી હતી.બંને વચ્ચેની તકરારમાં પણ જાણે એકરાર ઝળકાઇ આવતો. બંને સમજદાર હતા અને એક બીજાને પોતાનાથી વધુ ઓળખતા હતા એટલે બંનેને પોતાના પ્રેમનો એકરાર કરવાની જાણે જરૂર જ ના પડી. બંનેનાં પ્રેમની આ વાત પણ ધૂમ્રસેરની જેમ પૂરા ગામમાં પ્રસરતા વાર ના લાગી પણ બંને પ્રેમી-પંખીડાને આ વાતથી કોઇ ફરક પડતો હોય એવું જરા પણ પ્રતિત થતું નહોતું.
બંનેનાં પ્રેમસંબંધની ભણક બંનેના પરિવારજનોને ક્યારની પહોંચી ચૂકી હતી.પરંતુ, હવે બંને યુવાન થઇ ચૂક્યા હતા તેથી દીકરીનાં બાપ હોવાને નાતે સૌમ્યાનાં પિતાને તેની ચિંતા થવાની શરૂ થઇ,જે સ્વાભાવિક પણ હતું. સૌમ્યાનાં પિતા પોતાની દીકરીને પોતાનાથી વધુ ચાહતા હતા એટલે તે સૌમ્યાથી ઉપરવટ થઇ કોઇ નિર્ણય લેવા નહોતા માગતા. તેમણે સૌમ્યાને બોલાવી તેને તેણીની ઇચ્છા વિશે પુછ્યુ. સૌમ્યાએ કહ્યું હુ વિનિત સિવાય કોઇ બીજા સાથે પોતાની જીંદગી વ્યતિત કરવા વિશે વિચારી પણ સુધ્ધા ના શકું. સૌમ્યાનાં પિતાએ પોતાની દીકરીનો નિર્ણય સાંભળી વિનિતનાં દાદાને બંનેના સંબંધ વિશે વાત કરવાનું વિચાર્યુ. સૌમ્યાનાં પિતા વિનિતનાં દાદા પાસે વાત કરવા પહોંચ્યા. વિનિતનાં દાદા પહેલેથી પોતાની તોછડાઇ માટે પૂરા ગામમાં કુખ્યાત હતા. જેવા સૌમ્યાનાં પિતાએ વાત કરી કે તરત જ વિનિતનાં દાદા બોલ્યા,છોકરાઓ તો હજુ અણસમજુ છે પણ તમે પણ તમારો દરજ્જો ભૂલી ગયા. અમારી જાત જુઓ અને તમારી જાત જુઓ. તમે વિચારી પણ કઇ રીતે શકો અમારા પરિવાર સાથે સંબંધ બાંધવાનુ. તમારા જેવા લોકો વિશે હુ બધુ જાણુ છું, સારા ઘરનાં છોકરાને પોતાના જાળમાં ફસાવવાનો અને તેની અમીરીને લોહીની જેમ ચૂસી અને તેમને કંગાળ કરી દઇ ખુદ તેમની સંપત્તિનો માલિક બની જવુ અને ઘણું બધુ ખરું-ખોટુ સંભળાવી તેમણે સૌમ્યાનાં પિતાને હડધૂત કર્યા. સૌમ્યાનાં પિતા ખુદનું આવું અપમાન સહન ના કરી શકયા અને તેમણે વિનિતને ચોખ્ખેચોખ્ખુ સૌમ્યાને ભૂલી જવા કહ્યુ અને બોલ્યા, સૌમ્યા તને આ જન્મ તો શુ સાત જન્મમાં નહીં મળે. સૌમ્યાનાં પિતાએ કરેલી આવી વાતથી ડઘાઇ ગયેલા વિનિતને સમજાયું નહીં કે આ શું થઇ રહ્યુ છે. તે સીધો પોતાના દાદા પાસે પહોચ્યો અને બોલ્યો, તમે મારું બાળપણ તો છીનવી લીધું પણ શા માટે મારી આખી જીંદગી છીનવો છો?? વિનિતનાં દાદા બેફિકરાઇથી બોલ્યા, શુ તને આ વાત માટે મોટો કર્યો છે કે તુ મોટો થઇને કોઇ ગરીબ ઘરની છોકરીને આપણા ઘરમાં લાવે,તને મોટા કરવાનો ખર્ચ પૂરો પાડે તેવું ખાનદાન જોઇએ છે મારે. આ સાંભળી વિનિત બોલ્યો,તો સીધા કેમ નથી બોલતા કે તમે મને વેંચવા માગો છો, તમે મને બસ એક પૈસાનાં સ્ત્રોત તરીકે જ ઉછેર્યો છે પણ એક વાતનું ધ્યાન રાખજો કે,તમારી આ વાત મને ક્યારેય પણ મંજૂર નથી, હુ આ ઘર છોડીને જઇ રહ્યો છું. આ સાંભળી વિનિતનાં દાદાએ ક્રૂરતાપૂર્વક હસતા કહ્યુ, તુ હજુ એક કાવડીયું કમાવાનું જાણતો નથી ને તુ ઘર છોડવાની વાત કરે છે. તુ બહારની દુનિયામાં તારા દમ પર તો એક મહિનો પણ નહીં રહી શકે અને યાદ રાખજે જો તુ પાછો ફરીશ તો મારી શરત પર જ જીવવું પડશે. વિનિત જતા જતા બોલ્યો,એવો મોકો હું ક્યારેય પણ નહીં આવવા દઉ. આમ કહીને તે ઘરની બહાર નીકળ્યો અને ગામનાં મંદિર પાસે સૌમ્યાને એકલામાં કોઇને ખબર ના પડે તેમ મળવા આવવા કહ્યુ. તો શુ થાય છે બંનેની મુલાકાતમાં ? શું રંગ લાવશે તેમનો પ્રેમ? જાણવા માટે રાહ જુઓ આવતી કડીની...
-'ક્ષિતિજ'
('ક્ષિતિજ ના અંતરનાં સોપાનો'માથી)

5th Part:
વિનિત અને સૌમ્યા એક બીજા સામે આવીને ઉભા રહ્યા,તેમના શરીર તો એકબીજા સામે હતા પરંતુ તેમનું મન ક્યાંક બીજે જ વિહાર કરી રહ્યુ હતું. વ્યથાનાં તારામંડળમાં જાણે વિચારોનું તારામંડળ સર્જાઇ ગયું હતુ. વિનિતે આખરે પોતાનું મૌન તોડતા કહ્યું, સૌમ્યા, હવે આપણું શુ ભવિષ્ય હશે તેનો નિર્ણય તારી પર છોડું છુ, મારી પાસે આપણી જીંદગી નિર્વાહ થાય એવા એક પણ સ્ત્રોત નથી બચ્યા. હું ઘર અને આ ગામ પણ છોડી રહ્યો છું. સૌમ્યા ધ્યાનપૂર્વક સાંભળી રહી હતી અને વિનિતનાં હૈયાનો હાલ જોઇ અંદરથી તૂટી ચૂકી હતી પરંતુ, ભારે હૈયે તે એટલું જ બોલી શકી, વિનિત હું લાચાર છું અને તેના ગળે ડૂમો ભરાઇ ગયો અને ત્યાર બાદ બંનેની આંખોમાં અશ્રુ દોડી આવ્યા, એવુ લાગતુ હતું કે જાણે બંનેની આંખમાથી આંસુ નહીં લાચારી વહી રહી હતી. વિનિત પોતાના આંસુ રોકી બોલ્યો, તારા નિર્ણયની કદર કરું છું, જાણુ છુ કે આપણા પ્રેમનાં અંજળપાણી ભરાઇ ચૂક્યા છે અને હવે હું તને વધુ દુખી જોવા નથી માગતો આથી હવે ક્યારેય પણ તારી સામે નહીં આવુ. મારાથી તો શક્ય નહીં બને પણ તારાથી શક્ય બને તો મને ભૂલી જજે. વિનિત ત્યાથી જતા જતા બોલ્યો, પણ એક વાત યાદ રાખજે, તારા માટે મારી જીંદગીનાં દરવાજા હંમેશ માટે ખુલ્લા છે. જીંદગીમાં ક્યારેય પોતાની જાતને એકલી ના માનતી આ વિનિત હંમેશ તારી સાથે છે અને આટલું કહીને વિનિત જાણે ત્યાથી દોડી ગયો. જાણે કે, તે સૌમ્યાને હજું વધુ રડતી જોવા ના માગતો હોય. વિનિતને જતા જોઇ સૌમ્યા જમીન પર ફસડાઇ પડી. તે અંદરથી તૂટી ચૂકી હતી. પ્રેમ જાણે કે પોતાનો કાચિંડા જેવો રંગ બતાવી રહ્યો હતો. બે ખીલેલા ફૂલને જાણે જીંદગીએ પણ પળવારમાં કરમાવી દીધા. સમયનાં વહાણા વહેતા ક્યા વાર લાગે છે. વિનિત આ બધી બાબતોથી દૂર હવે શહેરમાં પહોંચી ગયો હતો. ધીરે ધીરે કરીને તે પોતાની નામના બનાવી ચૂક્યો હતો અને તેનું પરિણામ એ હતુ કે,'વી.પી. ઇન્ડસ્ટ્રીઝ' શહેરભરમાં નામના કેળવી ચૂકી હતી. વિનિતનાં મનમાથી હજુ પણ પોતાના દાદા વિશેની કડવાશ દૂર નહોતી થઇ એટલે તેણે એક બ્રીફકેશમાં રૂપિયા લઇ પોતાના એક કર્મચારીને ત્યા મોકલ્યો અને એમ પણ કહેવડાવ્યુ કે, આ તમને મને મોટો કરવાની રકમ મોકલી રહ્યો છું. આજ પછી મારા પર તમારો કોઇ અહેસાન નથી. હવે મારો સંપર્ક કરવાનો પણ પ્રયત્ન કરશો નહીં. મારા માટે હવે તમે આ દુનિયામાં નથી. વિનિત સૌમ્યાને ભૂલાવવા હંમેશા પોતાના કાર્યમાં રચ્યો પચ્યો રહેતો. પણ એક દિવસ વિનિતનાં મિત્રએ તેને જાણ કરી કે, સૌમ્યા નાં પિતાએ તેના લગ્ન પોતાની જ્ઞાતીનાં એક અમીર નબીરા જોડે કરી દીધા છે. વિનિત આ સાંભળી બબડ્યો, હે ઇશ્વર, મારા ક્યા જન્મનાં પાપોનું તુ આ ફળ મને આપી રહ્યો છે? મારા જન્મતાવેંત તે મારી પાસેથી મારા પિતાની છત્રછાયા છીનવી લીધી. દાદા પાસેનાં જે સ્નેહનો હું હકદાર હતો, તે પણ મને ના મળ્યો અને આખરે મારા જીવનની હાલક્ડોલક થતી નૈયાને જે સહારો મળ્યો તે પણ તે છીનવી લીધો. આખરે હું જ કેમ? ઉપરવાળાએ પણ અજબ રમત રમી હતી વિનિતની જીંદગીમાં પણ અસલી ચાલ તો હવે તે ચલવાનો હતો. વિનિત પોતાના ગામ પહોચી ચૂક્યો હતો અને અતિતનાં પ્રવાસેથી પાછો ફરી ચૂક્યો હતો. વિનિત ધૂંધવાતા મને પોતાના ગાડીમાથી નીચે ઉતર્યો અને પોતાના એ ઘર તરફ ડગ માંડ્યા કે જ્યા તે કદી પાછો ફરવા માગતો નહોતો પણ ત્યાનું દ્રશ્ય જોઇ તે અચાનક સ્તબ્ધ થઇ ગયો.શું હતુ એ દ્રશ્ય? શુ થશે જ્યારે વિનિત પોતાના દાદાને મળશે તે જાણવા માટે રાહ જુઓ આવતી કડીની....
-'ક્ષિતિજ'
('ક્ષિતિજ ના અંતરનાં સોપાનો'માથી)

No comments:

Post a Comment